તારંગા । કુમારપાળ પ્રતિબંધ । તારંગા હીલ । તારા મંદિર | જૈન દેરાસર
તારંગા હીલ ( Taranga Hills ) । તારા મંદિર
ઉતર ગુજરાતમાં
તારંગાથી પંચ માઈલ દૂર ટેકરી ઉપર કુમારપાળે બંધાવેલ અજીતનાથનું પ્રખ્યાત જૈન
દેરાસર છે. આ ટેકરીથી દોઢેક માઈલના અંતરે પુષ્કળ ઝાડી અને ડુંગરાળ પ્રદેશમાં એક
ગુફામાં તારણ-ધારણ માતાને નામે ઓળખાતી તારાની બે પ્રતિમાઓવાળા મંદિર છે.
આ મંદિરો સાથે
૧૫ ફૂટ x ૨ ફૂટ x ૩ફૂટના પીઠ ઉપર નવ બૌદ્ધ પ્રતિમા છે. જેમાં એક અવલોકિતેશ્વર
પદ્મપાણીની ઉભી પ્રતિમા છે. મધ્યમાંની મુખ્ય પ્રતિમા તારણ-માતાના નામથી પૂજાય છે. આની
બાજુમાં એક નાના મંદિરમાં ધારણમાતાના નામથી પૂજાતી તારાદેવીની પ્રતિમા છે. તારાની
પ્રતિમા ચાર ફૂટ ઉંચી છે. તારાદેવી લલિતાસને વિકસીત પદ્મ પર બિરાજમાન છે.
જમણાહાથની હથેળી ખંડિત છે, તે વરદમુદ્રામાં હશે. ડાબા હાથની હથેળી પણ ખંડિત છે.
જેના બચેલા ભાગ પરથી અનુમાન થાય છે કે તે હાથમાં લાંબો કમળદંડ હશે. પ્રાચીન
પ્રશ્ચિમ ભારતીય કલાની ગુર્જર પ્રતિહારના સમયમાં પ્રચલિત શૈલીની આ સુંદર પ્રતિમા
છે. દેવીના ગળામાં હાંસડી છે અને બે સ્તન
વચ્ચેથી પસાર થઇ કમરબંધ સુધી વળાંક લઇ લટકતી એક્સરી પ્રલંબમાળા, એ આ કળાની
વિશેષ્ટતા છે. આ બહુ પ્રચલિત અલંકરણ છે. દેવીનું કેશગૂંફન એના મુકુટની ગરજ સારે
છે. મસ્તક અને તેની પાછળના પ્રભા મંડળની ઉપર પદ્માસનમાં અમિતાભધ્યાની બુદ્ધ
બિરાજમાન છે. એ ધ્યાની બુદ્ધ અમિતાભમાંથી આવિષ્કૃત અવલોકિતેશ્વરની શક્તિ છે. એથી
કરીને અવલોકિતેશ્વરને બદલે અહી અમિતાભની આકૃતિ મૂકી લાગે છે. અમિતાભની જમણી બાજુએ
મૈત્રેય અને ડાબી બાજુએ અવલોકિતેશ્વરની કોતરેલી પ્રતિમા છે. મૈત્રેય બોધિસત્ત્વ
અર્ધપદ્માસનમાં કમલ ઉપર બિરાજેલ છે. ડાબા હાથમાં નાગકેસરનું ફૂલ છે અને જમણા
હાથમાં ચામર ધારણ કરેલુ જણાય છે.
ઉમાકાંત શાહ લખે છે કે
ઉમાકાંત શાહ લખે
છે કે શ્રી ગદ્રેનો મત છે કે તારાની બાજુમાં મહામયુરી અને જંગુલિની આકૃતિઓ મળવી
જોઈએ એને બદલે હાથમાં દંડવાળી હયગ્રીવની આકૃતિ મળે છે. હયગ્રીવની ઉપરના ભાગે દેવી
મહામયુરી હશે. હયગ્રીવની સામી બાજુએ
દેવીની ડાબી બાજુએ ચારભુજાયુક્ત એકજટા છે. તેના ડાબા બે હાથ ખંડિત છે.જયારે જમણા
બે હાથમાં તલવાર અને માળા છે. તે વ્યાઘ્ર જેવા દેખાતા કોઈ પ્રાણી ઉપર બેઠેલ છે. આ
એકજટાના ઉપરના ભાગમાં અશોકાન્તા મારિચી વરદમુદ્રામાં છે, જે કમળ ઉપર બેઠેલ છે.
ધારીણીમાતાની
પીઠિકામાં દેવી જાંગુલી અર્ધપર્યકાસનમાં બેઠેલા છે. બે હાથ સાથે જટા મુકુટ તેમ જ
કુમારી સ્વરૂપ બતાવ્યા છે. શ્રી ગદ્રેના મત પ્રમાણે જાંગુલીને બદલે હયગ્રીવની
આકૃતિ સિવાય બીજી બધી રીતે આ મૂર્તિ દેવી
વરદતારાની હોવાનું સૂચવે છે. ધારીણીમાતાના આસન નીચે બૌદ્ધ માન્યતા અનુસાર સાત
રત્નોની આકૃતિ છે – ( ચક્ર, હાથી, અશ્વ, મણિ, સ્ત્રી, ગૃહપતિ અને પરિણાયક) આ પ્રતિમા ૮મી કે ૯મી સદીની હોઈ
તેમ જણાય છે. આ પ્રતિમાના આસન નીચે આ બૌદ્ધ ગાથા કોતરેલી છે :
યે ધર્માં
હેતુપ્રભવા હેતુ તેષાં તથાગતો હાવદન | તેષાં ચ યો નિરોધ એવં વાદી મહાશ્રમણ: ||
શ્રી કાંતિલાલ સોમપુરા લખે છે કે
શ્રી કાંતિલાલ
સોમપુરા લખે છે કે તારંગાની તારણમાતા શૈલમંદિરની બાજુમાં ધારણમાતાના નામથી ઓળખાતી
૧.૨ મીટરની લલિતાસને બેઠેલી દેવી વરદતારા નામે ઓળખાય છે. બૌદ્ધ પ્રતિમા વિધાનને
લગતા ગ્રંથોમાં તારાની પ્રતિમાના સાત જુદા જુદા પ્રકારો ગણાવ્યા છે. આ સાતમાંથી એક
પણ પ્રકાર પ્રસ્તુત મૂર્તિ સાથે બંધ બેસતો નથી. પ્રસ્તુત પ્રતિમા ધ્યાની બુદ્ધ
અમિતાભમાંથી નિષ્પન્ન થયેલી દૈવી શક્તિ “શુક્લ કુરુકુલ્લા” ની હોવાનો સંભવ છે. બે
હસ્તવાળી કુરુકુલ્લાની પ્રતિમા શુક્લ કુરુકુલ્લા કહેવાય છે. પ્રતિમા અંગેના ઘણાં
લક્ષણો બૌદ્ધ પ્રતિમા વિધાનની આ મૂર્તિને લાગુ પડે છે.
અષ્ટસહસ્ત્રીકા
પ્રજ્ઞા પારમિતાની બે હસ્તપ્રતો અનુક્રમે ઈ.સ. ૧૦૧૫ અને ઈ.સ. ૧૦૭૧ની છે. આ
પ્રતોમાં લાટ દેશમાં ત્રણ પ્રસિદ્ધ બૌદ્ધ તીર્થો હોવાનું નોંધ્યું છે. તારાપુરે
તારા, કુરુકુલ્લા શિખરે કુરુકુલ્લાઅને વંકુરાનગરે ચુંદાદેવી પૂજાતી
હોવાનું સૂચવ્યું છે. આથી શ્રી કાંતિલાલ સોમપુરાના મતે જો તરંગની ઉપર્યુક્ત મૂર્તિ કુરુકુલ્લાની હોય તો તારંગાની ટેકરીઓ પર
કુરુકુલ્લા શિખર હોવાની સંભાવના ઉપસ્થિત થાય છે. વળી, ગુજરાતના આ
ત્રણ બૌદ્ધ તીર્થો, ભારતભરના મુખ્ય બૌદ્ધ તીર્થોમાં સ્થાન મેળવી શક્યા, તે વાત બહુ મહત્વની છે. જે ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને
પ્રસાર દર્શાવે છે.
૧૨મી સદીમાં
સોમપ્રભ આચાર્ય લિખિત “કુમારપાળ પ્રતિબંધ”માં જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે, જે
નીચે મુજબ છે :
“ઇહ બિજજામાહપ્યં અચ્ચબ્ભુમજજખઉડસૂરીણં | દટઢણ વચ્છારાઓ પડિવન્નો વીપરાયમયં ||
તારાહ બુદ્ધદેવીહિ મંદિર કારિયં પુબ્બું | આસન્નગિરિમ્મિ તઓ મન્નવુ તારાઉર તિ ઈમો ||”
બૌદ્ધરાજા વત્સરાજે અહિયાં બૌદ્ધદેવી
તારાનું મંદિર બંધાવ્યું હતું અને તેના નામ ઉપર ત્યાં તારાપુરનગર બંધાવ્યું હતું.
શ્રી એસ.એમ.મોરે લખે છે કે
શ્રી એસ.એમ.મોરે લખે છે કે વત્સરાજાએ
બંધાવેલું તારંગા પાસેનું તારાનું મંદિર એ જ આજનું તારણ માતાનું મંદિર હોય તેમ
લાગતું નથી. જૈન સાહિત્યમાં જે મુજબ વર્ણન
છે તે મુજબ બૌદ્ધ રાજા વત્સરાજે બૌદ્ધદેવી તારાનું મંદિર બંધાવ્યું હતું. તે તારંગાની
કોઈ ટેકરી નજીક હોવું જોઈએ અને તેની શોધ થવી જોઈએ.
જોગીડા ની ગુફા
ગદ્રેએ તારંગાની ટેકરીની નજીક એક ગુફા
જે જોગીડા ની ગુફાના નામથી ઓળખાય છે, તે શોધી છે. તેમાં ચોરસ પીઠ પર ચાર
બેઠેલા બુદ્ધની આકૃતિવાળો પટ્ટ છે. આ શીલાફલકની આકૃતિઓ જીર્ણ છે અને તે ડો.
વિનયતોષ ભટ્ટાચાર્ય સંપાદિત ઇન્ડિયન બુદ્ધિસ્ટ આઈકોનોગ્રાફી (પ્લેટ ૬ ડી)ને મળતો
આવે છે, તેમ શ્રી ગદ્રે જણાવે છે. અમદાવાદના એલ.ડી.ઇન્ડોલોજી મ્યુઝીયમમાં ‘તારા’ની એક પ્રતિમા આવેલી છે.
શ્રી એસ.એમ.મોરે લખે છે કે તારંગા
રેલવે સ્ટેશનની દક્ષિણ-પ્રશ્ચિમમાં ૫-૬ કિલોમીટર દૂર મહિયલ ગામ આવેલું છે. અહિયાં
ઘણાં જ બૌદ્ધ સ્થાપત્યના અવશેષોના ટુકડાઓ અને
બુદ્ધની પ્રતિમા પ્રાપ્ત તહી છે. આ સ્થળનો પુરાતત્ત્વ ખાતા દ્વારા સર્વે
થવો જરૂરી છે.
તારંગા હીલમાંથી બોધિસત્વનો જમણો હાથ
(૨૧x૮x૧૧ cm) પ્રાપ્ત થયો છે. આ ભગ્ન હાથ ૯મી સદીનો અને વરદ મુદ્રામાં છે. હાથમાં ધારણી મંત્રો
કોતરેલા છે. આ હાથ હાલ વડનગર મ્યુઝીયમમાં મુકવામાં આવેલ છે.
૨૦૦૯માં ગુજરાત પુરાત્વ વિભાગના નિયામક
વાય.એસ.રાવતે તારંગા હીલની દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલું એક પૌરાણિક નગર શોધી કાઢ્યું
છે.
✦ અન્ય જરૂરી
❋ ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ
❋ ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ
❋ ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી
❋ બુદ્ધ અને તેમનો ધમ્મ । ગૌતમ બુદ્ધના ઉપદેશ